હાજીનાજી સાહેબના ૫૦માં વાર્ષિક વફાતદિન નિમિત્તે હાજીનાજી સાહેબના અમુક ચાહકો તરફથી તેમની સેવાઓને જીવંત રાખવાના ઈરાદાથી ભાવનગર ખાતે હાજીનાજી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવેલ.
આ સંસ્થામાં હાલમાં અપાઈ રહેલ સેવાઓ :
આપનો જન્મ ૨૮ સફર હિજરી સન ૧૨૭૯ના રોજ મુંબઈમાં થયો હતો. આપના વાલીદે બુઝુર્ગવારનું નામ ઈસ્માઈલભાઈ રહીમભાઈ હતું. આપની વાલિદાનું નામ જેનાબાઈ હતું.
હાજી ગુલામઅલી સાહેબે પોતાનું પ્રાથમિક મઝહબી શિક્ષણ મુલ્લા કાદીરહુસૈન સાહેબ પાસેથી વિનયી રીતે પ્રાપ્ત કર્યુ. હાજી નાજી સાહેબે પોતાને ફક્ત મઝહબી લેખન કાર્ય, તકરીરો, પ્રવચનો, મજલિસો અને મિમ્બર સુધીજ મર્યાદિત રાખ્યા ન હતા. બલકે સામાજિક અને કલ્યાણકારી કાર્યો અને પ્રવૃત્તિઓમાં પણ પોતાની સાબિત કદમી અને અડગતાને જાહેર કરી હતી. સંવત ૧૯૮૩માં ભાવનગર ખાતે પાંચ બાળકો સાથે બોર્ડીંગની સ્થાપના કરી હતી. આપની આ સેવાને જીવંત રાખવા હાજી નાજી મેમોરિયલ ટ્રસ્ટે એક બોર્ડીંગની સ્થાપના કરેલ છે. જે આજે સફળતાની ટોચ ઉપર છે. જેમાં હાલ પચાસ બાળકો લાભ લઈ રહ્યા છે.
હાજી નાજી સાહેબની સાહિત્યિક સેવાઓને અમર રાખવા માટે તેમની વફાતના ૫૦માં વાર્ષિક દિવસે તેમના પૌત્ર હાજી મોહસીનઅલીભાઈ કવસરી ભાવનગર પધારેલ. હાજી નાજી સાહેબની કીતાબોને નવેસરથી છાપીને પ્રસિધ્ધ કરવા માટે જનાબ હાજી મોહસીનભાઈએ હાજી નાજી મેમોરિયલ ટ્રસ્ટને મંજૂરી આપેલ.
હાજી નાજી સાહેબે એવા સમયે દીનની તબલીગની શરૂઆત કરી કે જયારે લોકો અજ્ઞાનતાનાં અંધકારમાં અટવાયેલા, વહેમ, અંધશ્રધ્ધા અને કુરિવાજોની જંજીરોમાં જકડાયેલા હતા. કૌમની નાવ કિનારાથી દૂર સાચી દિશા ચૂકીને મજધારમાં ડોલતી હતી. ત્યારે વિવાદ, વિરોધ, અવરોધ તેમજ અનેક સંકટો, આપત્તિઓ અને મુશ્કેલીઓનો સબ્ર, યકીન, તથા બલંદ ઈમાન થકી દ્રઢતાપૂર્વક સામનો કરીને બાતિલની તોફાની આંધીઓથી બચાવી, હિદાયતનો ચિરાગ હાથમાં લઈ તેની રોશનીમાં આપણી કૌમને રાહે નજાત બતાવ્યો.
‘રાહેનજાત’નાં સ્થાપક અલ્લામા હાજી ગુલામઅલી સાહેબે જે વિવિધ ૩૫૦ કરતા પણ વધુ મઝહબી પુસ્તકો ગુજરાતી ભાષામાં સંપાદન કરી પ્રગટ કર્યા છે. જેની જોડ મળવી મુશ્કિલ છે. ચિંતનશીલ અને તત્વજ્ઞાનથી સભર પુસ્તકો જેવા કે ‘કુરઆને શરીફની તફસીર’, ‘મેઅરાજુસ્સઆદહ’, ‘નહજુલ બલાગાહ’, ‘મજમુઓ’, ‘ઝાદુસ્સાલેહીન’ ઉપરાંત અઈમ્મએ માઅસુમીન અલય્હેમુસ્સલામની સવાનેહે ઉમ્રી, મજલિસો તેમજ દોઆઓની કિતાબો અરબી તેમજ ફારસી કિતાબોમાંથી ચૂંટી ચૂંટીને એ ભાષાઓથી નાવાકીફ ગુજરાતી જનતાને આપ્યા છે.
આપ ૮ ઝિલ્હજ હિજરીસન ૧૩૬૨નાં રોજ ભાવનગરમાં આપનાં ચાહકોને રડતા મૂકી આ ફાની દુનિયાથી કુચ કરી ગયા. આપને ભાવનગરનાં ‘હાજી નાજી આરામબાગ’માં દફન કરવામાં આવેલ છે. અલ્લાહ તઆલા તેમને જવ્વારે અઈમ્મએ માઅસુમીન અલય્હેમુસ્સલામમાં જગ્યા ઈનાયત કરે. આમીન ! હાજી નાજી સાહેબને લગતી વધારે જાણકારી માટે અમારી વેબસાઈટ પરની કિતાબ ‘હકીમુલ મિલ્લત’ વાંચો.